મંગળવાર, 29 મે, 2018

મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

અરરર માડી રે! છાણાં વીણવા ગઈ'તી રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો
મને ટચલીએ ટચકાવ્યો રે વિંછૂડો
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો
મારા સસરાજીને તેડાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો
મારા જેઠજીને તેડાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો
મારા પરણ્યાને તેડાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો
વિંછૂડાના ઝેર ઉતરાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

સવા બશેરનું તારું દાતરડું લોલ

સવા બશેરનું તારું દાતરડું લોલ
ઘડ્યું ઓલા લાલિયા લુહારે
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ
મેં રે વાઢ્યા છે દશ-વીશ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ
હું રે ઊભી'તી વનવાટ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
વાટે નીકળ્યો વટેમારગુ રે લોલ
વીરા મુને ભારો ચડાવ્ય રે
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
પરણ્યાને આવી પાલી જારડી રે લોલ
મારે આવેલ માણું ઘઉં
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ
મેં રે જમાડ્યો મારો વીરો
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

હાજી કાસમ, તારી વીજળી[૧] રે મધદરિયે વેરણ થઇ
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ
ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર
દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર
દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર
તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર
ચૌદ વીશું[૨]માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર
અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર
ઓતર દખણના[૩] વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ[૪]
મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય
જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય
પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન[૫]
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય
ચહમાં[૬] માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર
કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર
હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર
ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય
વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ
તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ
સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ
દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય
પીઠી ભરી તો લાડડી[૭] રુએ, માંડવે ઊઠી આગ
સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ
મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર
મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ[૮] બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

હું તો કાગળિયાં લખી લખી થાકી

હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,
પાતળીયા તારા મનમાં નથી….. હું તો…..

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવનિયાં બળી બળી જાય રે,
છોગાળા તારા મનમાં નથી….. હું તો…..

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
કાનુડા તારા મનમાં નથી.

હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.

હે મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ

હે મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ
મુખેથી મોરલી બજાવતા રે લોલ
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ
હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ
ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ
મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ
જઈને અમરાપરમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો માન્યું કે હરિ આંહીં વસે રે લોલ
મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ
તાંબાળુ ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠીને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળીયો ન ઊતર્યો રે લોલ
મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ
કોળીયો ભરાવું જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ
ચારેય દશ્યે નજર ફેરતી રે લોલ
એક છેટેથી છેલવરને દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ
મારી ઘેલી સાસુ ને ઘેલા સાસરા રે લોલ
ગાયું વરાંહે દોયાં વાછરાં રે લોલ
મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ
મોતડિયાં નથી આવતાં રે લોલ
મને હીંચકતાં નવ તૂટ્યો હીંચકો રે લોલ
નાનાંથી કાં ન પાયાં વખડાં રે લોલ
મારી માતા તે મૂરખ માવડી રે લોલ
ઉઝેરીને શીદ કરી આવડી રે લોલ

કચ્છમાં અંજાર મોટા શેર છે હો જી રે

કચ્છમાં અંજાર મોટા શે'ર છે હો જી રે
તિયાં જેસલના હોઈ રે રંગ મો'લ રાજ
હો રાજ !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હે જી રે !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
જેસલને ઉતારા રે ઓરડાં હો જી રે
સતી તોળાંને મેડિયુંના મો'લ રાજ
હો રાજ !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હે જી રે !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
જેસલને નાવણ કૂંડિયું હો રાજ
સતી તોળાંને જમુનાના નીર રાજ
હો રાજ !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હે જી રે !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
જેસલને દાતણ દાડમી હો જી રે
સતી તોળાંને કણેરીની કાંબ રાજ
હો રાજ !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હે જી રે !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
જેસલને ભોજન લાપસી હો જી રે
સતી તોળાંને કઢિયેલ દૂધ રાજ
હો રાજ !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હે જી રે !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
જેસલને પોઢણ ઢોલિયાં હો જી રે
સતી તોળાંને હીંડોળા ખાટ રાજ
હો રાજ !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
હે જી રે !
હળવે હાંકોને સતી ઘોડલાં જી રે
એ...ઈ... તોરલે
તોરલે ત્રણ નર તારિયા
ને સાંસતીયો ને સગીર
પણ જેસલ જગતનો ચોરટો
એ એને પળમાં ય કીધો પીર

સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું

સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું
વાગડ જાવું મારે ભુજ શે'ર જાવું
વાગડ જાતાં મુને તડકા રે લાગે
સાહ્યબા ઝાડ રોપાવ, એ વાગડ જાવું
વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું
વાગડ જાતાં મુને તરસ્યું રે લાગે
સાહ્યબા વાવ્યું બંધાવ, એ વાગડ જાવું
વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું
વાગડ જાતાં મુને ભૂખલડી લાગે
સાહ્યબા કંદોઈ બેસાડ, એ વાગડ જાવું
વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું
વાગડ જાવું મારે ભુજ શે'ર જાવું
સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું

સાયબા, મુને મુંબઈમાં મોલ ચણાવજો રે લોલ

સાયબા, હું તો તાંબાની હેલે પાણીડાં નહિ ભરું રે લોલ
સાયબા, મુને રૂપલાં બેડાંની ઘણી હામ રે
સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ
સાયબા, મારે સસરા ભલા પણ વેગળાં રે લોલ
સાયબા, મુને ઘૂંઘટ કાઢ્યાની ઘણી હામ રે
સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ
સાયબા, મારે સાસુ ભલા પણ વેગળાં રે લોલ
સાયબા, મુને પગે પડ્યાની ઘણી હામ રે
સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ
સાયબા, મારે જેઠ ભલા પણ વેગળાં રે લોલ
સાયબા, મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે
સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ
સાયબા, મારે જેઠાણી ભલા પણ વેગળાં રે લોલ
સાયબા, મુને વાદ વદ્યાની ઘણી હામ રે
સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ
સાયબા, મારે દેર ભલા પણ વેગળાં રે લોલ
સાયબા, મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે
સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ
સાયબા, મારે દેરાણી ભલા પણ વેગળાં રે લોલ
સાયબા, મુને જોડે રે’વાની ઘણી હામ રે
સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ
સાયબા, મારે નણદી ભલા પણ વેગળાં રે લોલ
સાયબા, મુને માથું ગૂંથ્યાની ઘણી હામ રે
સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

વનમાં ચાંદલિયો ઊગ્યો રે કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો

વનમાં ચાંદલિયો ઊગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો
રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ઉતારા કરવાને કાજ રે
રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
દાતણ કરવાને કાજ રે
રસિયા મોરા ઝારીયું લઉં સાથ રે
દાતણ કરવાને કાજ રે
રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે
રસિયા મોરા સુખડી લેજો સાથ રે
ભોજન કરવાને કાજ રે
રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે

લમ્મે લમ્મે મહિયારણ

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજો ચોટલો કારો નાગ, મુકે મોહિની લગી રે

અંજે કન જેડા કુંડળ મુકે કનમેં ખપે રે
અંજે મોતી જો શણગાર મુકે મોહિની લગી રે
લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજે ડોક જેડી માળા મુકે ડોકમેં ખપે રે
અંજે હીરે જો શણગાર મુકે મોહિની લગી રે
લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજે હથ જેડા કંકણ મુકે હથમેં ખપે રે
અંજે સોનેજો શણગાર મુકે મોહિની લગી રે
લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજે પગ જેડાં ઝાંઝર મુકે પગમેં ખપે રે
અંજે ચાંદીજો શણગાર મુકે મોહિની લગી રે
લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

અંજે ભય જેડા ચણિયા મુકે કેડમેં ખપે રે
અંજે આભલેજો શણગાર મુકે મોહિની લગી રે
લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજો ચોટલો કારો નાગ, મુકે મોહિની લગી રે

એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું

એ મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું
એ નહિ આવું વાં નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું
બેસીને રેવું ને ટગ ટગ જોવું
બેસીને રેવું ને ટગ ટગ જોવું
નહિ ખાવું કે મારે નહિ રે પીવું
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું
કે મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું
સરગના લોક તો છે અતિ કૂડાં
સરગના લોક તો છે અતિ કૂડાં
વાંથી વ્રજના ચોક મારે રૂડાં
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું
એ રે વિશે બે નોળિયા હતાં જો
એ રે વિશે બે નોળિયા હતાં જો
એને સતવર મેલ્યા જો ને કાઢી
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું
એ સરગથી જો ને અમને સોહામણું
અમને માનવને મૃત્યલોક રે
પણ ઈમાં મોટી વાતું દોહ્યલી
વળી પાછો મરણ વિજોગ

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,
રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,
એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,
મેડી મોલાત્યું માણશું કે રૂમાલ મારો લેતા જજો.

ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો,
તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જજો.

નાવણ આલીશ કૂંડિયું, એ રૂમાલ મારો લેતા જજો,
ઝિલણિંયાં તળાવ જાઇશું, રૂમાલ મારો લેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

મારી વેણીમાં ચાર ચાર ફૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

પહેલું ફૂલ, જાણે મારા સસરાજી શોભતા
જાણે પેલું મોગરાંનું ફૂલ
એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
ગંભીરને સૌમાં અતુલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

બીજું ફૂલ, જાણે મારા સાસુજી આકરા
જાણે પેલું સૂર્યુમુખી ફૂલ
સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું એ ભૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

ત્રીજું ફૂલ, જાણે મારી નણંદ પેલી નાનકી
જાણે પેલું ચંપાનું ફૂલ
જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

ચોથું ફૂલ, જાણે મારા હૈયાના હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ
દિવસેના બોલે એ મોટાના માનમાં
રાતડીએ બોલે બૂલબૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ.

માથે મટુકી મહીની ગોળી

માથે મટુકી મહીની ગોળી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને સસરાજી મળિયા હો
મને લાજું કાઢવાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને સાસુજી મળિયા
મુને પગે પડવાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને જેઠજી મળિયા
મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને જેઠાણી મળિયા
મુને ઠેકડી કરવાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને જેઠાણી મળિયા
મુને ઠેકડી કરવાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને દેરજી મળિયા
મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને નણદી મળિયા
મુને માથું ગૂંથ્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
સાંકડી શેરીમાં મુને પરણ્યોજી મળિયો
મુને મોઢું મલકાવવાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા

પાણી ગ્યાતાં રે બેની અમે તળાવનાં રે

પાણી ગ્યા'તાં રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપટ્યો પગ
બેડાં મારા નંદવાણાં રે
ચોરે બેઠાં રે બેની તારા સસરાજી રે
કેમ કરી ઘરમાં જઈશ કે
બેડાં તારા નંદવાણાં રે
લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે
રૂમઝૂમ કરતી જઈશ કે
બેડાં મારા નંદવાણાં રે
પાણી ગ્યા'તાં રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપટ્યો પગ
બેડાં મારા નંદવાણાં રે
ડેલીએ બેઠાં રે બેની તારા જેઠજી રે
કેમ કરી ઘરમાં જઈશ કે
બેડાં તારા નંદવાણાં રે
લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે
ધમધમ કરતી જઈશ કે
બેડાં મારા નંદવાણાં રે
પાણી ગ્યા'તાં રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપટ્યો પગ
બેડાં મારા નંદવાણાં રે
ઓસરિયે બેઠાં રે બેની તારા સાસુજી રે
કેમ કરી ઘરમાં જઈશ કે
બેડાં તારા નંદવાણાં રે
લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે
હળવે હળવે જઈશ કે
બેડાં મારા નંદવાણાં રે
પાણી ગ્યા'તાં રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપટ્યો પગ
બેડાં મારા નંદવાણાં રે
ઓરડે બેઠાં રે બેની તારા પરણ્યોજી રે
કેમ કરી ઘરમાં જઈશ કે
બેડાં તારા નંદવાણાં રે
આઘા રાખીશ રે બેની મારા ઘૂમટાં રે
મલકી મલકી જઈશ કે
બેડાં મારા નંદવાણાં રે
પાણી ગ્યા'તાં રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપટ્યો પગ
બેડાં મારા નંદવાણાં રે

પાંદડું ઊડી ઊડી જાય રે પરદેશી લાલ પાંદડું

પાંદડું ઊડી ઊડી જાય રે 
પરદેશી લાલ પાંદડું
પાંદડું ઊડી ઊડી જાય રે 
પરદેશી લાલ પાંદડું
પાંદડાની માયા મુને લાગી રે
પરદેશી લાલ પાંદડું
પાંદડું ઊડી ઊડી જાય રે
પરદેશી લાલ પાંદડું
ઓ માડી મારો સાસરો આણે આવ્યો
માડી હું તો સસરા ભેળી નહિ જાઉં રે
સાસુજી મેણાં મારે
પરદેશી લાલ પાંદડું
ઓ માડી મારો જેઠજી આણે આવ્યો
માડી હું તો જેઠજી ભેળી નહિ જાઉં
જેઠાણી મેણાં મારે
પરદેશી લાલ પાંદડું
ઓ માડી મારો દેરજી આણે આવ્યો
માડી હું તો દેરજી ભેળી નહિ જાઉં
દેરાણી મેણાં બોલે
પરદેશી લાલ પાંદડું
ઓ માડી મારો પરણ્યો આણે આવ્યો
માડી હું તો પરણ્યા ભેળી ઝટ જાઉં
પરણ્યોજી મીઠું બોલે
પરદેશી લાલ પાંદડું

નણદલ માગે લહેરિયું રે બાઈ

મારા લહેરિયામાં લાગી લૂંટાલૂંટ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

મારા દાદાનું દીધેલું લહેરિયું રે બાઈ !
મારી માતાની બાંધેલ લાંક હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

ચારે ખૂણે ચાર ડાબલાં રે બાઈ !
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો.
નણદલ માગે લહેરિયું રે બાઈ !

શું રે કરું તારા ડાબલાં રે બાઈ !
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ !
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

શું રે કરું તારાં બેડલાં રે બાઈ !
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

સામી ઘોડાહારે ચાર ઘોડલાં રે બાઈ !
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

શું રે કરું તારા ઘોડલાં રે બાઈ !
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

સામી વળગણિયે લહેરિયું રે બાઈ,
નણદી ! લઈને અદીઠડાં થાવ હો રે બાઈ !
નણદલ માગે લહેરિયું રે બાઈ !

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! … તારી બાંકી રે…
તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે…
પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે…
હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !… તારી બાંકી રે…
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે… 

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,
હાલો ને જોવા જાયેં રે,
      મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
      પીતળિયા પલાણ રે. – મોરલી…..

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
      દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
      કિનખાબી સુરવાળ રે. – મોરલી…..

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
      ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,
હાલો ને જોવા જાયેં રે,
      મોરલી વાગી રે, રાજાના કુંવર.

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને માથાના અંબોડામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને પાઘડીના આંટામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને હૈયાંના હિલોળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને હાથની હથેળીમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને પગની પાનીમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે

જોડે રહેજો રાજ

જોડે રહેજો રાજ
તમે કિયા તે ભાઈની ગોરી, કોની વહુ
જોડે રહેજો રાજ
જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ
જોડે નહિ રહું રાજ
શિયાળાની ટાઢ પડે ને
જોડે કેમ રહું રાજ
જોડે રહેજો રાજ
ફૂલની પછેડી સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ
જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ
જોડે નહિ રહું રાજ
ઉનાળાના તાપ પડે ને
જોડે કેમ રહું રાજ
જોડે રહેજો રાજ
ફૂલના પંખા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ
જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ
જોડે નહિ રહું રાજ
ચોમાસાની ઝડીઓ પડે ને
જોડે કેમ રહું રાજ
જોડે રહેજો રાજ
મોતીના મોડિયા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ
જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જીવલડો વલોવાયો
તમે ઓરા આવો રાજ
જીવલડો વલોવાયો
તમે ઓરા આવો રાજ
જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ
જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ
જોડે રહેજો રાજ

છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે

ચાર-પાંચ સાહેલી પાણીડા જાય રે
એમાં વચલી સાહેલડી ટહુકડી
કાં તો એનો પતિ ઘર નહિ
કાં તો એને કઠોર મળી છે સાસુલડી
છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે
મારે ભરવાં સરવરિયાના નીર રે
ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે
સામા ઊભા સસરાજી મારા શું રે જુઓ છો
મારે જોવાં વહુવારું કેરા ગુણ રે ઓલે
ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે
સામા ઊભા પરણ્યાજી મારા શું રે જુઓ છો
મારે જોવા ગોરાંદે તારા રૂપ રે ઓલે
ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે
છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે

છલકાતું આવે બેડલું

છલકાતું આવે બેડલું !
મલકાતી આવે નાર રે
મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું !
મારા ગામના સુતારી રે
વીરા તમને વીનવું,
મારી માંડવડી ઘડી લાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !
મારા ગામના લુહારી રે
વીરા તમને વીનવું,
મારી માંડવડી મઢી લાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !
મારા ગામના રંગારી રે
વીરા તમને વીનવું,
મારી માંડવડી રંગી લાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !
મારા ગામના કુંભારી રે
વીરા તમને વીનવું,
મારે ગરબે કોડિયાં મેલાવો રે
મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું !
મારા ગામના પિંજારી રે
વીરા તમને વીનવું,
મારા ગરબે દિવેટ મેલાવો રે
મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું !
મારા ગામના ઘાંચીડા રે
વીરા તમને વીનવું,
મારે ગરબે દિવેલ પુરાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !
મારા ગામના મોતીઆરા રે
વીરા તમને વીનવું,
મારો ગરબો ભલેરો શણગાર રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !
મારા ગામની દીકરિયું રે
બેની તમને વીનવું,
મારો ગરબો ભલેરો ગવરાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !
મારા ગામની વહુવારુ રે
ભાભી તમને વીનવું,
મારો ગરબો ભલેરો ઝીલાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !

આભમાં ઝીણી ઝબૂકે વીજળી

આભમાં ઝીણી ઝબૂકે વીજળી
ઝીણા ઝરમર વરસે મેહ
ગુલાબી કેમ કરી જાશો ચાકરી
ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે
ભીંજાય હાથીને બેસતલ સૂબો
ગુલાબી કેમ કરી જાશો ચાકરી
ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી કેમ કરી જાશો ચાકરી
તમને વહાલી તમારી ચાકરી
અમને વહાલો તમારો જીવ
ગુલાબી નહિ જવા દઉં ચાકરી

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે ગરબો ઘેલો કીધો

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે ગરબો ઘેલો કીધો.
સમી સાંઝની૦ વિ.
ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે મા ને બાપ મેલ્યાં
સમી સાંઝની૦ વિ.
ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે રોતાં બાળ મેલ્યાં
સમી સાંઝની૦ વિ.
ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે સૈયરૂંનો સાથ મેલ્યો.
સમી સાંઝની૦ વિ.
ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે કોઠીએ કણ ખૂટ્યા.
સમી સાંઝની૦ વિ.